26 નવેમ્બરે બંધારણ દિવસની ઊજવણી થઈ અને તે દિવસે બાબાસાહેબ આંબેડકરને યાદ કરવામાં આવ્યા. 26 નવેમ્બરની જેમ આજનો દિવસ એટલે 30 નવેમ્બરનો દિવસ બાબાસાહેબ આંબેડકરની યાદો અમદાવાદ શહેર સાથે અભિન્ન રીતે જોડાયેલી છે. 1945ની વાત છે જ્યારે બાબાસાહેબ આંબેડકરની ખ્યાતિ દેશભરમાં દલિતોના ઉદ્ધારક તરીકે પ્રસ્થાપિત થઈ ચૂકી હતી. દલિત અધિકારના જાગૃતિ માટે તેઓનો દેશભરમાં પ્રવાસ થતો હતો. આવા જ એક પ્રવાસ દરમિયાન તેઓ 1945માં 30 નવેમ્બરના રોજ અમદાવાદ આવ્યા હતા. તેમનું અહીંયા આવવાનું પ્રયોજન હતું શિડ્યૂલ કાસ્ટ ફેડરેશન અધિવેશનની અધ્યક્ષતાનું હતું.

આંબેડકરનું આવવાનું નિશ્ચિત થયું અને તે માટે કાર્યક્રમો ઘડાયા અને 30 નવેમ્બરના રોજ તેઓ ગુજરાત મેઇલ દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશને આવ્યા. તેઓ આવ્યા ત્યારે રેલવે સ્ટેશન પર તેમનું સ્વાગત કરવા દસ હજારથી વધુ લોકો ઉપસ્થિત હતા. ભીડ એટલી હતી કે તેઓએ કોચની બહાર આવીને લોકોને બે હાથ જોડી નમસ્કાર કર્યા અને ફરી પાછા કોચમાં જતું રહેવું પડ્યું. અહીં આવ્યા ત્યારે તેમને કોમર્સ કોલેજ અને લો કોલેજનું આમંત્રણ મળ્યું હતું. અનેક સંસ્થાઓ-વ્યક્તિઓ પણ તેમના સ્વાગત માટે તૈયારી કરી રહ્યા હતા. જોકે આંબેડકર સ્પષ્ટ કરી દીધું કે તેઓ ‘દલિત પરિષદ’ સિવાય ક્યાંય હાજરી આપશે નહીં. આ ઉપરાંત, તેમનો આગ્રહ હતો કે તેઓને મજૂર લત્તાઓની ચાલીઓ જોવી છે અને ત્યાં જ જમણ લેવું છે. અગાઉ આંબેડકરને છાજે તેવી જે વ્યવસ્થા કરવામાં આવી તે રદ કરવામાં આવી.

અંતે તેમને અસારવાના કલાપીનગર ખાતે આવેલા ઓમનગરની મુલાકાતે લઈ જવામાં આવ્યા. ઓમનગરમાં મિલકામદારો અને શ્રમિકો નિવાસ કરતા હતા. અહીંયા તેઓ રહ્યા અને ત્યાં જ તેમણે ભોજન લીધું. આંબેડકરની આ વિસ્તારમાં મુલાકાતનો પૂરો શ્રેય કરશનદાસ લેઉવાને જાય છે. કરસનદાસ લેઉવા તે સમયે મ્યુનિસિપાલટીના બોર્ડ કમિટિના સભ્ય હતા. આંબેડકરના આગમનથી આ પૂરો વિસ્તાર સજાવવામાં આવ્યો હતો. અહીંયા તેઓ સામાન્ય લોકોને મળ્યા હતા. એક કાર્યક્રમ પણ તે અનુસંધાને થયો હતો અને ત્યાં આંબેડકરને મ્યુનિસિપાલિટી વતી માનપત્ર આપવામાં આવ્યું હતું. તેમણે કાર્યક્રમમાં વક્તવ્ય પણ આપ્યું હતું અને વર્તમાન હિંદુસ્તાનની સ્થિતિ વર્ણવી હતી. તે દિવસની સ્મૃતિમાં આજે પણ ઓમનગરમાં આંબેડકરની પ્રતિમાં અને તેમના નામે ચોક જોવા મળે છે.

[વિગત સંદર્ભ : ગુજરાતની આંબેડકરી ચળવળનો ઇતિહાસ, લેખક : ડૉ. પી. જી. જ્યોતિકર]

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *