– એશિયાના સૌથી શ્રીમંત તરીકેનું મુકેશ અંબાણીનું બિરુદ છીનવાયું 

– ચીનના બોટલ વોટર કિંગ કહેવાય છે

નવી દિલ્હી/ બીજિંગ તા.31 ડિસેંબર 2020 ગુરૂવાર

એશિયાના સૌથી અમીર વ્યક્તિ તરીકેનું રિલાયન્સના મૂકેશ અંબાણીનું બિરુદ વર્ષના છેલ્લા દિવસે છીનવાઇ ગયું હતું. ચીનના બોટલ વોટર કિંગ કહેવાતા ઝોંગ શાનશને આ બિરુદ છીનવી લીધું હતું. 

ઝોંગ શાનશન હવે એશિયાના સૌથી વધુ અમીર વ્યક્તિ બની ગયા હતા. પત્રકાર, મશરૂમ ફાર્મિંગ અને હેલ્થ કેરમાં પોતાનો હાથ અજમાવી ચૂકેલા ઝોંગે મૂકેશ અંબાણી અને જેક માને પાછળ મૂકી દીધા હતા. ચાલુ વર્ષે ઝોંગની સંપત્તિ 70.9 અબજ ડૉલર્સથી વધીને 77.8 અબજ ડૉલર્સ થઇ ગઇ હતી. બ્લૂમબર્ગ મિલેનિયર્સ ઇન્ડેક્સમાં જણાવ્યા મુજબ 2020ના વર્ષમાં ઝોંગની સંપત્તિમાં થયેલા આ વધારાના પગલે એ પૃથ્વી પરના સૌથી અમીર લોકોમાં 11મા સ્થાને પહોંચી ગયા હતા.

ઝોંગની વેક્સિન નિર્માણ કંપની બીજિંગ વાનતાઇ બાયોલોજિકલ ફાર્મસી એન્ટરપ્રાઇઝે આ વર્ષના એપ્રિલમાં શૅરબજારમાં લિસ્ટ કરાવવામાં આવી હતી. એ પછી એક મહિના બાદ ઝોંગે પોતાની વોટર બોટલ કંપની નોન્ફ્ગૂ સ્પ્રીંગ કંપનીને હોંગકોંગ શૅરબજારમાં લિસ્ટ કરાવી હતી. આ એક જોરદાર હિટ આઇપીઓ બની રહ્યું. વોટર બોટલ કંપનીના શૅર દીઠ 155 ટકા પ્રીમિયમ લિસ્ટ થયો હતો. ઝોંગની ફાર્મા કંપની કોરોના વેક્સિન ડેવલપ કરી રહી હોવાની જાહેરાત કરાઇ હતી એને કારણે એના શૅરના ભાવ ઊંચકાયા હોવાનું મનાતું હતું. ચીનમાં ટેક્નોલોજી કંપની અલીબાબાના માલિક જેક માની સંપત્તિ ઘટીને 51.2 અબજ ડૉલર્સની રહી ગઇ ઙતી. ઓક્ટોબરમાં જેક માની સંપત્તિ 61.7 અબજ ડૉલર્સની હતી.

ચીનના જેજિયાંગ પ્રાંતના હોંગજોઉમાંથી આવેલા ઝોંગે કારકિર્દીનો આરંભ એક કંપનીમાં શ્રમિક તરીકે કર્યો હતો. ત્યારબાદ એ પ્રેસ રિપોર્ટર બન્યા હતા. ત્યાર પછી તેમણે પીવાના પાણીના ધંધામાં ઝુકાવ્યું હતું. અત્યાર સુધી વિશ્વના સૌથી અમીર લોકોમાં મોટે ભાગે ટેક્નોલોજી સાથે સંકળાયેલા લોકોનાં નામ આવતાં હતાં. આ પહેલીવાર વોટર બોટલ કંપનીના માલિક સૌથી અમીર લોકોની યાદીમાં સ્થાન પામ્યા હતા. અત્યારે ચીનમાં બોટલ બંધ પાણીના બજારમાં ઝોંગની નોન્ગ્ફૂ કંપની નંબર વન છે. આ કંપનીએ આઇપીઓ દ્વારા 1.1 અબજ ડૉલર્સ જેવી ધીકતી મૂડી રોકાણ કર્યુ હંતું.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *