દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે દિલ્હી એઈમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે, જુન મહિનામાં કોરોનાના સૌથી વધુ કેસ આવી શકે છે. સાથે જ તેમણે લોકડાઉનનો ફાયદો ગણાવતા કહ્યું હતું કે, લોકડાઉનના કારણે કોરોનાના કેસ વધ્યા નથી.
એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ ખાનગી ચેનલ સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, જેવી રીતે ટ્રેન્ડને જોવામાં આવી રહ્યો છે તે પ્રમાણે કોરોનાના કેસ જુન મહિનામાં પીકઅપ પર હશે. પરંતુ એવું બિલકુલ નથી કે બીમારી એક જ વારમાં સમાપ્ત થઇ જશે. આપણે કોરોના સાથે જીવવું પડશે. ધીરે ધીરે કોરોનાના કેસમાં ઘટાડો પણ આવશે.
ડો. ગુલેરિયાએ જણાવ્યું હતું કે, લોકડાઉનના કારણે ફાયદો મળ્યો છે. લોકડાઉનના કારણે કેસ વધ્યા નથી. બીજા દેશોના મુકાબલે ભારતમાં કેસની સંખ્યા ઓછી છે. હોસ્પિટલોએ પોતાની તૈયારી કરી દીધી છે. ડોકટરોને ટ્રેનીંગ આપવામાં આવી રહી છે. પીપીઈ કીટ્સ, વેન્ટીલેટર્સ અને જરૂરી મેડીકલ સુવિધાઓની સગવડ થઇ રહી છે અને કોરોના ટેસ્ટની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે.
ડો. ગુલેરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ક્યાં સુધી કોરોનાનો મામલો ચાલશે, કેટલો લાંબો ચાલશે તે હાલમાં કહી શકાય તેમ નથી. પરંતુ એટલું જરૂર છે કે જયારે કોઈપણ વસ્તુ પીક પર હોય છે તો તે ત્યાંથી જ ડાઉન થવાની શરુ થઇ જાય છે. હવે આશા છે કે જુન મહિનામાં કોરોનાના કેસ પીક પર હશે ત્યારબાદ ધીરે ધીરે ઘટવાના શરુ થઇ જશે.