મિત્રો, મને 5મી ડિસેમ્બરની રાત ક્યારેય નથી ગમી.

છેલ્લા કેટલાંક વર્ષોથી એ રાત્રે હું સતત એ જ વિચારતો જાગતો હોઉં છું કે શું થયું હશે એ રાત્રે…!!!?

થોડાં વર્ષો પહેલા મારા હાથમાં એક પુસ્તક આવેલું. ‘બાબાસાહેબની હત્યા: એક ષડયંત્ર’ એવું જ કંઈક ટાઇટલ હતું. જોકે મારી હિંમત ન થઈ એ પુસ્તક વાંચવાની… પણ એ વિષય સંદર્ભનો બી.ટી. મેવાડાનો એક લેખ મેં મારા ‘સિમ્બોલ ઓફ નોલેજ’ પુસ્તકમાં છાપ્યો જ છે. જિજ્ઞાસુઓએ તે જોઈ જવા વિનંતી.

ડૉ.ધનંજય કીર અને ડૉ.પી.જી.જ્યોતિકર બન્નેના બાબાસાહેબ વિષયક જીવન ચરિત્રોમાં કેટલાક સંકેતો છે જ.

જુઓ, શું થયું હતું એ દિવસે…!!!

5મી ડિસેમ્બર, 1956ના રોજ બપોરે 1.30 વાગ્યે ડો.સવિતા આંબેડકર (ડૉ.શારદા) ડૉ.માલવણકર સાથે કાર લઈ બજારમાં ખરીદી કરવા ગયા. સાંજે સાડા પાંચ સુધી પરત ન આવ્યા. તેથી બાબાસાહેબ ખૂબ જ ગુસ્સે થયેલા.

રાત્રે 8 વાગ્યે બાબાસાહેબ થોડા શાંત થયા. જૈન પ્રતિનિધિ મંડળ મળવા આવ્યું તો તેમને મળ્યા.

નાનકચંદ રત્તુ એ થોડીવાર બાબાસાહેબના પગ દબાવ્યા. માથામાં તેલ પણ ચોળી આપ્યું. બાબાસાહેબને થોડું સારું લાગ્યું તેથી તેમણે પલંગના હાથા ઉપર જમણા હાથની આંગળીઓ દ્વારા તાલ દઈ કશુંક ગાયું.

હા, તે ધૂન હતી… બુદ્ધમ્ શરણમ્ ગચ્છામી..

રત્તુએ તે ગીત રેડીયોગ્રામ પર વગાડ્યું. રેકર્ડ વાગતા બાબાસાહેબ તેમાં તલ્લીન થઈ ગયા.

જમવાનો વખત થતા થોડા ભાત જમ્યા અને પછી લાકડીના ટેકે શયનખંડમાં ચાલ્યા ગયા.

જો કે જમવા ગયા એ પહેલાં તેમણે કેટલાક ગ્રંથો કબાટમાંથી કાઢ્યા હતા.

આ ગ્રંથો જોઈને ટેબલ ઉપર પાછા મુક્યા અને પોતે બિછાના પર આડા પડ્યા.

રાત્રિના 11.15 વાગ્યા હતા. આગલી રાત્રે પણ રત્તુ ઘેર નહોતો ગયો. બાબાસાહેબ સુઈ ગયા છે એમ માની તેણે ટેબલ ઉપરના પુસ્તકો સરખા કર્યા. અવાજ થવાથી બાબાસાહેબ જાગી ગયા. રત્તુએ ઘેર જવા રજા માગી. સાઇકલ લઈ એ હજુ દરવાજે પણ પહોંચ્યો નહોતો ત્યાં જ નોકર સુદામાએ બૂમ પાડી તેને પરત બોલાવ્યો.

બાબાસાહેબે રત્તુ પાસે ‘બુદ્ધ અને તેનો ધમ્મ’ એ ગ્રંથની પ્રસ્તાવના અને કેટલાક પત્રો કબાટમાંથી કઢાવી ટેબલ ઉપર રખાવ્યા.

‘આ પ્રસ્તાવના અને પત્રો હું રાત્રે ફરી વાંચી જઈશ.’ એમ કહી રત્તુને વિદાય કર્યો.

સુદામાએ પલંગ પાસે કોફી ભરેલ થરમૉસ અને મીઠાઈની રકાબી મૂકી. બાબાસાહેબે સેવક સુદામાને પણ સુઈ જવા કહ્યું.

પછી તો રાત્રે શું થયું… કોને ખબર..!!!

સવારે છ વાગ્યે સવિતાએ સાહેબના શયનખંડમાં સહેજ ડોકીયું કર્યું. એ જ પડછંદ દેહને સંપૂર્ણ સ્વસ્થતા થી પલંગ ઉપર પડખું ફરી પડેલો જોઈ તેઓ સમજ્યા કે સાહેબ સૂતા છે.

નિત્યક્રમ મુજબ બગીચામાં એક ચક્કર મારી રોજની ટેવ મુજબ તેઓ બાબાસાહેબને ઉઠાડવા માટે ગયા.

પરંતુ સાહેબ તો ચિર નિંદ્રામાં પોઢી ગયા હતા…

તરત જ ગાડી મોકલી રત્તુને તેડાવ્યો. રત્તુ આવતા જ ‘સાહેબ, આપણને છોડીને ચાલ્યા ગયા…’ એમ વિલાપ કરતા કરતા સવિતાબેન રડતા રડતા સોફા ઉપર ફસડાઈ પડ્યા.

રત્તુએ શયનખંડમાં જઇ મસાજ કરી બાબાસાહેબના હૃદયને પુનઃ ચાલુ કરવા પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ.
આમ ઉંઘમાં જ બાબાસાહેબ ચિર નિંદ્રામાં પોઢી ગયા હતા.

વાયુવેગે સમાચાર વહેતા થયા. નવી દિલ્હીના 26, અલીપુર માર્ગ ઉપર ભીડ થવા લાગી.

વડાપ્રધાન નહેરુ, ગૃહ પ્રધાન ગોવિંદ વલ્લભ પંત, નાગરિક ઉડ્ડયન મંત્રી બાબુ જગજીવનરામ, રાજ્યસભાના ઉપાધ્યક્ષ સહિતના અનેક નેતાઓ, અધિકારીઓ, અને બાબાસાહેબના હજારો અનુયાયીઓ ઉમટી પડ્યા હતા.

આકાશવાણી ઉપરથી બપોરે તેમના અવસાનના સમાચાર વહેતા થયા. કરોડો ભારતીય લોકોએ ઊંડો આઘાત અનુભવ્યો. હજારો લોકો અંતિમ દર્શને ઉમટી પડ્યા.

તેમના દેહને વિમાનમાં મુંબઈ લઈ જવાનું નક્કી થયું.

એક ટ્રકમાં તેમના મૃતદેહને ગોઠવી સ્મશાનયાત્રાનો પ્રારંભ થયો. ‘બાબાસાહેબ અમર રહો’ ના પ્રચંડ નારાઓથી દિલ્હીનું આકાશ ગાજી ઉઠ્યું. રસ્તાની બન્નેબાજુ હકડેઠાઠ મેદની આંખમાં આંસુ સાથે પોતાના મુક્તિદાતાને અંતિમ વિદાય આપવા ઉમટી પડી હતી.

અંતિમયાત્રાને વિમાન મથકે પહોંચતા પૂરા પાંચ કલાક થયા. રાત્રે સાડા નવ વાગ્યે વિમાન દિલ્હીથી ઉપડ્યું.

રાત્રે ત્રણ વાગ્યે મુંબઈના શાન્તાક્રુઝ વિમાનમથકે બાબાસાહેબનો મૃતદેહ ઉતાર્યો, ત્યાં તો જાણે કે મુંબઈ આખું હિબકે ચડ્યું.

મુંબઈમાં રાત્રિના 2 વાગ્યે શાન્તાક્રુઝથી દાદર સુધીના આઠેક કિલોમીટરના માર્ગ ઉપર હજારો લોકો આગળના દિવસથી જ ભૂખ્યા,તરસ્યા, નીંદર કર્યા વિનાના બેઠા હતા, આંખોમાં આંસુ સારતા, પોતાના પ્રિય નેતાના અંતિમ દર્શનાર્થે..!

હા, મુંબઈ જ નહીં, પરંતુ સમગ્ર મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી તથા સમગ્ર દેશમાંથી બાબાઘેલા અનુયાયીઓ પોતાના મસિહાના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા.

હા, કરોડો દલિતો, શોષિતો, પીડિતોના તારણહાર ચાલ્યા ગયા હતા.

કારખાના, સ્કૂલ-કોલેજ, થિયેટરો, મિલો, રેલવે, મહાનગરપાલિકા… જાણે કે મુંબઈ આખું બંધ હતું. મહારાષ્ટ્રના અનેક શહેરોમાં સ્વંયભુ હડતાળ પાડવામાં આવી હતી.

લાખો લોકો શોકમય હતા, હજારો લોકો ચોધાર આંસુએ રડતા હતા, અસંખ્ય લોકો બેભાન થયા હતા.

બપોરે એક ટ્રકમાં બાબાસાહેબના મૃતદેહને મૂકી ફૂલોથી સજાવી અંતિમયાત્રા નીકળી. બપોરે દોઢ વાગ્યે નીકળેલી અંતિયાત્રાને દાદર પહોંચતા પાંચ કલાક થયા. આ પહેલા મુંબઈએ આવી સ્મશાનયાત્રા ક્યારેય જોઈ નહોતી.

રસ્તાની બન્ને બાજુથી પુષ્પહારોનો વરસાદ વરસતો હતો. બે માઇલ લાંબી આ અંતિમયાત્રામાં લાખો લોકો જોડાયા હતા. પાંચ લાખથી પણ વધુ લોકોએ બાબાસાહેબનો અંતિમવિધિ નિહાળ્યો.

સાંજે 7.30 વાગ્યે પુત્ર યસવંતરાવે અગ્નિદાહ આપ્યો. સમગ્ર માનવ મહેરામણ શોકમાં ડૂબ્યો.

દેશ વિદેશના અનેક નેતાઓ અને સમાચાર પત્રોએ શ્રદ્ધાંજલિ પાઠવી.

રાજાજીએ કહ્યું છે તેમ, અન્યાય અને અત્યાર સામે વર્ષોનો ભળભડતો જ્વાળામુખી આજે સદાને માટે શાંત થયો છે.

-ડૉ.સુનીલ જાદવ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *